નર્મદ – જય જય ગરવી ગુજરાત!

30 05 2007

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

         -નર્મદ (Narmad – Jai Jai Garvi Gujarat. Poems Kavita in Gujarati. Literature and art site)

સાંભળો (click to listen)





‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ – આપની યાદી

30 05 2007

આપની યાદી

જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!

માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા;
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના;
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર;
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!

જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું;
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી;
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી;
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!

      - ‘કલાપી’ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (Kalapi – Aapni Yaadi. Poems in Gujarati. Literature and art site)





દલપતરામ – ઊંટ

30 05 2007

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળાં ભૂંડા;

ભૂતળમાં પક્ષીઓ ને પશુઓ અપાર છે;

બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી;

કૂતરાની પૂછ્ડીનો, વાંકો વિસ્તાર છે.

વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા;

ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે.

સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ;

“અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે ”

          – દલપતરામ (Dalpatram – Uut Poems in Gujarati. Literature and art site)





હરીન્દ્ર દવે – ને તમે યાદ આવ્યાં

30 05 2007

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમકયો ને તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મ્હેરામણ રામ,
સ્હેજ ચાંદની છ્લકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં ભ્રમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટક્યુ ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોરે થયો રામ,
એક પગલુ ઊપડ્યું ને તમે યાદ આવ્યાં.

          -હરીન્દ્ર દવે (Harindra Dave – ne tame yaad aviya. Poems in Gujarati. Literature and art site)